સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર

  -/1
by garvigujarat
Published: April 15, 2024 (1 month ago)
મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે મોટરબાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી. આ હુમલાને કારણે પોલીસે સલમાનના ઘરની આસપાસ સુરક્ષા કડક બનાવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાન ખાનને ઘણી ધમકીઓ મળી છે ત્યારે ફાયરિંગની આ ઘટના બની હતી. પોલીસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે બાઈક પર સવાર શૂટરોની તસવીર જાહેર કરી હતી. બંને હુમલાખોરોએ કેપ પહેરેલી છે અને તેમના પર બેકપેક છે. તેમાંથી એક વ્યક્તિએ સફેદ ટી-શર્ટ, બ્લેક જેકેટ અને ડેનિમ્સ પહેર્યા છે, જ્યારે બીજી વ્યક્તિ લાલ ટી-શર્ટ અને ડેનિમ્સમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ફાયરિંગ શોટમાં દેખાતા બે શૂટરોમાંથી એક હરિયાણાના ગુરુગ્રામનો વોન્ટેડ ગેંગસ્ટર છે. ગેંગસ્ટર વિશાલ રાહુલ ગેંગસ્ટર રોહિત ગોદારાનો શૂટર છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે.